પ્રેમદીવાની મીરાં સાધો! પ્રેમદીવાની મીરાં રે…
મનમોહનકો ચાહત, ગાવત ગાન ગહન ગંભીરા રે,
શબદ-મૌજ લહેરાય, વાય કંઇ મોઘમ મંદ સમીરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…
બિરહ અગન ઝોંકાય, થાય કંઇ નખશિખ મિલન અધીરા રે,
ગગન પુકાર ઉઠાવી, આવી ભવસાગરને તીરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…
અનહદ પ્રતીત સંગે, અંગે અનંત વ્યાપી પીરા રે,
કુ્છ સહજો, કુછ અક્કા જાણે, પ્રમાણે કુછ કબીરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…
એક હથ તંબૂર ખાલી, ઝાલી દૂજે હથ મંજીરા રે,
વસ્તુ વિરથ ન ઇચ્છે, પ્રીચ્છે મનમન મસ્ત ફકીરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…
કુટુંબ કબીલા સહોદર, ઘર-બર ઝરઝવેરાત, હીરા રે,
પ્રપંચ પદ સહુ છોડ્યાં, ઓઢ્યા અખંડ અંગ મલીરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…
મીરાં બહુત બહુત બડભાગી, ત્યાગી લગરીક લીરા રે,
અવીનાશીના ગુણને ગાવે, પાવે હરિરસ મદિરા રે…
પ્રેમદીવાની મીરાં સાધો!…